1 Corinthians 2

1ભાઈઓ, હું જયારે તમારી પાસે આવ્યો, ત્યારે તમને ઈશ્વર વિષેની સાક્ષી પ્રગટ કરવા હું ઉત્તમ વક્તૃત્વ કે જ્ઞાન બતાવીને આવ્યો નહોતો. 2કેમ કે ઈસુ ખ્રિસ્ત, જે વધસ્તંભે જડાયેલા, તે સિવાય હું તમારી સાથે રહીને બીજું કંઈ જ ન જાણું, એવો મેં નિશ્ચય કર્યો હતો.

3હું નિર્બળતામાં, ભયમાં તથા ઘણી ધ્રુજારીમાં તમારી સાથે રહ્યો હતો. 4મારી વાતનો તથા મારા બોધનો આધાર માનવી જ્ઞાનની મનોહર ભાષા ઉપર નિર્ભર નહોતો, પણ [પવિત્ર] આત્માના તથા સામર્થ્યના પ્રમાણ પર હતો 5કે, તમારા વિશ્વાસનો આધાર માણસોના જ્ઞાન પર નહિ, પણ ઈશ્વરના સામર્થ્ય પર હોય.

6જેઓ અનુભવી છે તેઓની સાથે અમે જ્ઞાનની વાત કરીએ છીએ; પણ તે આ જમાનાનું જ્ઞાન નહિ, તથા આ જમાનાના નાશ પામનાર અધિકારીઓનું [જ્ઞાન] પણ નહિ; 7પણ ઈશ્વરનું [જ્ઞાન], એટલે જે ગુપ્ત રખાયેલું જ્ઞાન સૃષ્ટિના આરંભ પૂર્વેથી ઈશ્વરે આપણા મહિમાને સારુ નિર્માણ કર્યું હતું, તેમની વાત અમે મર્મમાં બોલીએ છીએ.

8આ જમાનાના અધિકારીઓમાંના કોઈને તે [જ્ઞાન] ની સમજ નથી; કેમ કે જો તેઓને તેની સમજ હોત તો તેઓએ મહિમાવાન પ્રભુને વધસ્તંભે જડ્યા ન હોત. 9પણ લખેલું છે કે, “જે બાબતો આંખે જોઈ નથી, કાને સાંભળી નથી, જે માણસના મનમાં પ્રવેશી નથી, જે બાબતો ઈશ્વરે પોતાના પ્રેમ કરનારાઓને માટે તૈયાર કરી છે;

10તે તો ઈશ્વરે પોતાના પવિત્ર આત્માથી આપણને પ્રગટ કર્યા છે;” કેમ કે આત્મા સર્વને, હા ઈશ્વરના ઊંડા [વિચારો] ને પણ શોધે છે. 11કેમ કે કોઈ માણસની વાતો તે માણસમાં જે આત્મા છે તે સિવાય કયો માણસ જાણે છે? એમ જ ઈશ્વરના આત્મા સિવાય ઈશ્વરની વાતો બીજો કોઈ જાણતો નથી.

12પણ અમે જગતનો આત્મા નહિ, પણ જે આત્મા ઈશ્વર તરફથી છે તે પામ્યા છીએ; જેથી ઈશ્વરે આપણને જે બાબતો આપેલી છે તે અમે જાણીએ છીએ. 13તે જ અમે બોલીએ છીએ. માનવી જ્ઞાને શીખવેલી ભાષામાં નહિ, પણ પવિત્ર આત્માએ શીખવેલી ભાષામાં; આધ્યાત્મિક બાબતોને આધ્યાત્મિક ભાષાથી સમજાવીએ છીએ.

14સાંસારિક માણસ ઈશ્વરના આત્માની વાતોનો સ્વીકાર કરતું નથી; કેમ કે તે વાતો તેને મૂર્ખતા જેવી લાગે છે; અને તે આધ્યાત્મિક રીતે સમજાય છે, તેથી તે તેમને સમજી શકતું નથી. 15પણ જે માણસ આધ્યાત્મિક છે તે સર્વને પારખે છે, પણ પોતે કોઈથી પરખાતો નથી. કેમ કે પ્રભુનું મન કોણે જાણ્યું છે કે, તે તેમને બોધ કરે? પણ અમને તો ખ્રિસ્તનું મન છે.

16

Copyright information for GujULB